Wednesday, 31 July 2024

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

   રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે :

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું. 

શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી. 

સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અને કર્મનો ધર્મ સુપેરે અદા કરવાની હ્રદયસ્પર્શી અપીલ કરી હતી. અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશોમાં પણ રૂરલ જર્નાલીઝમની અપડાઉન સ્થિતિ, દેશના અર્થતંત્રને પણ અસર કરે છે તેમ તેમણે જણાવ્યુ હતું. 

માહિતી ખાતાની કાર્યપદ્ધતિને કારણે તેની મહત્તા ખૂબ વધી જાય છે, ત્યારે પત્રકાર જગત સાથે માસિયાઈ ભાઈનો નાતો ધરાવતા, એક અગત્યના વિભાગની કાર્યપ્રણાલી સમજી, પત્રકારત્વની વિશ્વસનિયતા વધારવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી. 

પોતાની 'લેખિની'ને અભડાવ્યા વિના, સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરવાનું આહ્વાન કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, આવો 'વાર્તાલાપ' વહીવટી તંત્ર અને મીડિયા જગત માટે, સીમાચિન્હરૂપ સાબિત થશે તેમ જણાવ્યુ હતું. પત્રકારોના કલ્યાણ માટે અમલી કલ્યાણ યોજનાઓને વધુ લોકભોગ્ય બનાવવાની હાંકલ કરતા શ્રી ભટ્ટે, ડાંગથી પ્રારંભાયેલો આ 'વાર્તાલાપ' દેશના ફલક સુધી વિસ્તરે તેવા સુભાશિષ પાઠવ્યા હતા.

ગ્રામ્ય પત્રકારોને માહિતી વિભાગ, દૂરદર્શન, અને સ્થાનિક મીડિયા, અરસપરસ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી બને તે જરૂરી છે તેમ જણાવતા શ્રી ભટ્ટે, સારાનરસાનો ભેદ પારખી, સૌને તંદુરસ્ત સમાજ નિર્માણની શુભકામનાઓ પાઠવી હતી. 

મીડિયામાં ઊભરતા પ્રવાહો અને ટેકનોલોજી વિષયનો ખ્યાલ આપતા દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમારે, રૂરલ મીડિયા વર્કશોપમાં ટુ વે કમ્યુનિકેશન થતું હોય છે તેમ જણાવતા, ડાંગની સંસ્કૃતિ અને ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે શહેરીજનો, જે પ્રશ્નોનો ઉત્તર શોધી રહ્યા છે તે ઉત્તર રૂરલ મીડિયા છે, તેમ જણાવી, ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલી અખૂટ શક્યતાઓને ઉજાગર કરવાની જ્વાબદારી, ગ્રામીણ પત્રકારત્વની છે તેમ કર્યું હતું. ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલા જીવનના તત્વજ્ઞાનને શહેરીજનોના બહેરા કાન સુધી પહોચાડવાની જવાબદારી, ગ્રામ્ય મીડિયા સારી રીતે કરી શકે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. 

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને ઉજાગર કરીને, સમાજ સેવાનું ઉમદાકાર્ય કરવાની ઉત્તમ તક, ગ્રામીણ  મીડિયા મિત્રો પાસે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. ગ્રામીણ પત્રકારત્વના માધ્યમથી તળ અને મૂળની વાતો, શહેરીજનોના કાન સુધી બખૂબી રીતે પહોંચાડવાની પણ તેમણે હિમાયત કરી હતી. 

બદલાયેલી ક્રાઈમ પેટર્ન, સાઇબર ફ્રોડ, અને ઓર્ગેનાઇટઝડ ક્રાઈમ જેવા કૃત્યોને નાથવા માટે, અને દંડની જગ્યાએ ન્યાયને મહત્વ મળી શકે તેવા ઉમદા આશયથી, જૂના કાયદાઓમાં કેન્દ્ર સરકારે સુધારો કરીને, નવા કાયદાઓનું અમલીકરણ થઈ રહ્યું છે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ જણાવ્યુ હતું. 

ઊંડા અભ્યાસ અને સૂક્ષ્મ રિસર્ચ વર્ક સાથે આવેલા બદલાવને કારણે, ન્યાયની પ્રક્રિયાને ઝડપી અને વધુ ન્યાયસંગત બનાવી શકાશે તેમ પણ શ્રી જગાણિયાએ સાપુતારા ખાતે આયોજિત “વાર્તાલાપ” માં પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યુ હતું.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના રાજ્ય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના કાર્યક્રમમાં, વક્તા તરીકે પધારેલા પોલીસ અધિક્ષકશ્રીએ, ડાંગ પોલીસના સમાજ સુધારણાના નવા આયામ એવા પ્રોજેકટ દેવી, પ્રવાસી મિત્ર, અને પ્રોજેક્ટ સંવેદનાનો પણ ખ્યાલ આપ્યો હતો. મીડિયા, સોસાયટીમાં મીરરનું કામ કરી રહ્યું છે, તેમ જણાવતા શ્રી જગાણિયાએ, ડાંગના મીડિયાના હકારાત્મક વલણની પણ સરાહના કરી હતી.

ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી 'સંવાદ' સાધવાનો સ્તુત્ય પ્રયાસ PIB નો છે, તેમ જણાવતા ADG શ્રી પ્રકાશ મગદુમે, ટુ વે કોમ્યુનિકેશનની કાર્યપ્રણાલી વર્ણવી હતી. 

સ્થાનિક સમસ્યાઓ, મુશ્કેલીઓ સાથે RNI ની કામગીરીને વધુ સરળ બનાવવાનું કાર્ય, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કર્યું છે તેમ જણાવતા શ્રી મગદુમે, મીડિયા અને ટેકનોલોજીના સુભગ સમન્વય થકી 'લોકલ ઈઝ ગ્લોબલ'ની વડાપ્રધાનશ્રીની નિભાવવાને ચરિતાર્થ કરવાનું કાર્ય, ગ્રામીણ પત્રકારો કરી શકે છે તેમ જણાવ્યુ હતું. 

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપને નજર સમક્ષ રાખી, તેને આત્મસાત કરવાની અપીલ કરતાં ADG શ્રી પ્રકાશ મગદુમે, પ્રધાનમંત્રીશ્રીની “મન કી બાત” જેવા કાર્યક્રમોએ સ્થાનિક ગ્રામીણ પત્રકારોની જવાબદારી વધારી છે તેમ કહ્યું હતું. તેમણે AI ટેકનોલોજી જેવા આધુનિક ટૂલ્સ ને અપનાવીને પત્રકારત્વને ધારદાર, અસરકારક બનાવવાની પણ અપીલ કરી હતી. ગ્રામ્ય પત્રકારો માટેની કલ્યાણકારી યોજનાઓ પણ તેમના સુધી પહોંચે તેવા પ્રયાસોની શ્રી મગદુમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

PIB ના શ્રી ચીરાગ બોરાણિયાએ, આ વાર્તાલાપનો ઉદ્દેશ સ્પસ્ટ કરી, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો સહિત RNI, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન, DAVP,  ફિલ્ડ પબ્લિસિટી, અને સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપ્યો હતો. પત્રકાર અને માહિતી પ્રસારણ વિભાગ પરસ્પર સેતુરૂપ ભૂમિકા અદા કરી, એક સિક્કાની બે બાજુ જેવી ભૂમિકા નિભાવે છે, તેમ પણ તેમણે કહ્યું હતું.

ગિરિમથક સાપુતારા સ્થિત હોટેલ તોરણ હિલના કોન્ફરન્સ હોલમાં આયોજિત PIB ના આ 'વાર્તાલાપ' કાર્યક્રમમાં સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, PIB ના નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ, આકાશવાણી અમદાવાદના નાયબ નિયામક શ્રી ભરત દેવમણી, ડાંગના સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર, સુરતના ફિલ્ડ પબ્લીસિટી ઓફિસર શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલા સહિત ડાંગના PIB અને દૂરદર્શન/આકાશવાણીના પ્રતિનિધિઓ, સંબંધિત અધિકારી, કર્મચારીઓ, અને ડાંગ જિલ્લાના અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં રહી પત્રકારત્વ કરતા મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન આયોજકોએ પુષ્પગુચ્છ, શાલ અને સમૃતિભેટ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે PIB ઓફિસર શ્રી જયકિશન શર્માએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યાંતે નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલે આભાર દર્શન કર્યું હતું. ઉદઘોષક તરીકે સુશ્રી યોગિતા પટેલે સેવા આપી હતી.


Saturday, 27 July 2024

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ.

આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. 

જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું.

બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.






Friday, 26 July 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

     નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

Saturday, 20 July 2024

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રના અઘિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 














Friday, 19 July 2024

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

 નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા શરૂ થાય અને પુર્ણ થાય તે અંગે કાર્ય કરવા જરૂરી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં વિધવા પેન્શન મેળવતી મહિલાઓ તથા દિવ્યાંગજનોને સરકાર દ્વારા એન.એફ.એસ. કાર્ડ હેઠળ અનાજ આપવાની જોગવાઇ છે ત્યારે આવા કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે માટે જરૂરી તકેદરીવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. આ બેઠકમાં આયોજન મંડળના વિવિધ કામોમાં આયોજનમાં લેતી વેળાએ બિનજરૂરી હેતુફેર ન થાય તે અંગેની તકેદારી રાખવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રીઓ દ્વારા નવી અસ્તિત્વમાં આવેલી ગ્રામ પંચાયતના વિભાજનનું મહેસુલી રેકર્ડ છુટુ પાડવા તથા હોમગાર્ડની કચેરીને લગતા પ્રશ્નો રજુ કર્યા હતા જે બાબતે મંત્રી શ્રીએજરૂરી કાર્યવાહી કરવાની સુચના આપી હતી. બેઠકમાં જાન્યુઆરી-૨૦૨૩થી જુન-૨૦૨૪ દરમિયાન સ્વાગત પોર્ટલમાં ગ્રામ પંચાયત કક્ષાએ આવેલી ૨૫૨૦, તાલુકા કક્ષાએ ૯૩૭ અરજીઓ તથા જિલ્લાકક્ષાએ ૧૩૭ જેટલી વીજપોલ ખસેડવા, ઈ-ધરા ક્ષતિ સુધારા હુકમ, દબાણ દુર કરવા, આવાસ યોજના, પેઢીનામા,રેશન કાર્ડ જેવી અરજીઓનો નિકાલ કરવામાં આવી હોવાની વિગતો આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ જિલ્લા કંટ્રોલ સેન્ટર સહિત લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જિલ્લામાં ૪૫૪ આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. વર્ષાઋતુમાં થયેલા માનવ મૃત્યુમાં ૧૨ લાખની સહાય એનાયત કરવામાં આવી હોવાનું ડિઝાસ્ટર અધિકારીએ જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં ૧૮૧૪૪૬ એન.એફ.એસ.એ.ના રેશનકાર્ડ ધારકો તથા ૯૦૮૯૮ નોન NFSAના કાર્ડ ધારકોની વિગતો રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલતા પીએમ મિત્ર પાર્ક, વાધરેચ ટાયડલ ડેમ, પુર્ણા ટાયડલ ડેમ, સિવિલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજના કામની પ્રગતિની વિગતો મંત્રીશ્રી સમક્ષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિ.પં પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, નરેશ પટેલ, કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્ર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને અન્ય પદાધિકારીશ્રીએ તથા જિલ્લાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના...

Posted by Info Navsari GoG on Friday, July 19, 2024

Thursday, 18 July 2024

Wednesday, 17 July 2024

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી.

સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં ઘટકો વિશે સમજાવવામાં આવ્યું જે શાળા સક્ષમ બનાવવા જરૂરી છે શાળા સક્ષમની તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે.શાળા સક્ષમ  બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વગેરે વિશે વાતો કરવામાં આવી. 

પાણી વિશેનાં મુદ્દામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણીને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની રચના વિશે વાતો કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. સેનેટરી વિશે વાતો કરી સ્વચ્છ રહેવા માટે કન્યાઓને કઈ તેમજ શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. શૌચાલય વિશેનાં પ્રકરણમાં કેટલા બાળકોએ કેટલા એકમ નળ હોવા જોઈએ, એક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તેમ જ તેમને યોગ્ય માર્ગદર્શન મળે એના વિશે સુચારું આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખો એના વિશેની પણ સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને એ રીતનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

 ઇન્ચાર્જ સી.આર.સી અલ્પેશભાઈ દ્વારા  હરિયાળી જગ્યાઓ અને જમીનનો  ઉપયોગ વિશે વાતો કરી જેમાં  જમીનમાં વિવિધતા, ફળદ્રુપતા, વર્મી કમ્પોઝ વિશે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહે, આંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોની સમજ,   સ્વચ્છ હવા   અને  સ્વચ્છ હવા શા માટે મહત્વની છે તે વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી સ્વચ્છ હવાના મુખ્ય ઘટકોની વાત કરવામાં આવી જેમાં સ્વચ્છ હવા માટે બાળકોની સક્રિય સામેલગીરી કેવી રીતે કરવી એના વિશે વાતો કરવામાં આવી. લીલી જગ્યાઓ અને જમીનના ઉપયોગના ધોરણોનો પ્રવેશ વિશે સમજાવવામાં આવ્યું. ઉર્જા સરક્ષણ શા માટે મહત્વનું છે સ્વચ્છ ઊર્જાને પહોંચ, સ્વચ્છ ઊર્જાના ધોરણ, બાળકોની સક્રિય ભાગીદારી વિશે તમામ આચાર્યઓને માહિતગાર કર્યા. તદુપરાંત આબોહવા પ્રતિભાવ વિશે જેમાં આબોહવાને અનુકૂળ શાળા શા માટે મહત્વની છે, ટકાઉ સ્થિતિ સ્થાપક, નિર્માણના ધોરણ વિશે સરસ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.


 ત્યારબાદ આગળના સેશન પ્રમાણે ઇન્ચાર્જ સી.આર.સી કાશ્મીરાબેન દ્વારા આબોહવા અને આપત્તિ  (જોખમ) વિશે ચર્ચા કરવામાં આવી. જેમાં કાશ્મીરાબેન દ્વારા સરસ આબોહવાનું નિર્માણ આબોહવા શાળામાં કેવી રીતે ઉભુ કરવું તેમજ શાળા માટે આબોહવા કેવી હોવી જોઈએ તેમજ એમને બનાવવા માટે  શાળાનું આયોજન કેવું હોવું જોઈએ એ તમામ બાબતોથી તમામ આચાર્યશ્રીને વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કોઓર્ડીનેટર વિજયભાઈ દ્વારા બાળ સુરક્ષા અને જાતિય સતામણી વિશે સરળ  ભાષામાં  જાતે અનુભવેલી  જોયેલી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા માટે આપણે શાળા કક્ષાએ કેવા પ્રકારની તકેદારી રાખવી વગેરે બાબતોનો સમજ આપવામાં આવી. શાળા કક્ષાએ ગુડ ટચ બેડ ટચ વિશે બાળકોને સમજ આપવામાં આવે એ પ્રકારનું આયોજન શાળા કક્ષાએ થાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.


 પાટીના સીઆરસીશ્રી ટીનાબેન દ્વારા સંચાલન અને જાળવણી. વ્યવહારમાં બદલાવ અને ક્ષમતા નિર્માણ સમાવેશ શિક્ષણ વિશે  સમજ આપવામાં આવી. સંચાલન અને જાળવણીમા વેસ્ટ  મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી, અને  પર્યાવરણ સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી. સમાવેશ શિક્ષણમાં લિંગ જાતે ભેદ શિક્ષણની સમજ આપવામાં આવી. શિક્ષકોને જૂથમાં વહેંચણી કરી. દરેક જૂથને એક મોડેલ  શાળા દોરી સક્ષમ શાળા કેવી હોવી જોઈએ જેના વિશે જૂથે આગળ આવી પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું.


 બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થનાથી ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું. બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારાએ આગલા દિવસનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મક, શારીરિક, અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. કિરીટભાઈ દ્વારા  બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. આજ દિવસે સક્ષમશાળાનાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા હરિતા સલામત સમાવિષ્ટ વિશ સમજાવવામાં આવ્યું. તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા  ફાયર સેફ્ટીનું મોક ડ્રિલ કરાવવામાં આવ્યું. ફાયરના  ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. 


એ બી સી ડી પ્રકારના આગ વિશે સમજ આપવામા આવી.  ત્યારબાદ ટીનાબેન દ્વારા સક્ષમશાળા એપ ડાઉનલોડ કરાવી. ટીમ લીડર દ્વારા સક્ષમ શાળાના દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું જેમાં પાણી, ઉર્જા હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરી. જેમાં શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું  તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું હતું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાની રીતે પોતાનાં  વિષયોના મુદ્દાને શાળા અંતર્ગત સચોટ રીતે સમજાવ્યા  જે મુખ્ય શિક્ષકો  આ તાલીમની સમજને  શાળામાં ખૂબ જ સારી રીતે અમલીકરણ કરી શકે  એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી. 

આ તાલીમ દરમ્યાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઇ પરમાર સાહેબ ઉપસ્થિત રહી મુખ્યશિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતે બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ  દ્વારા તમામ આચાર્યશ્રીઓને પોતાના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી તાલીમને પૂર્ણ  જાહેર કરવામાં આવી.

Tuesday, 16 July 2024

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

 Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો
 * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન 
* આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનું નામાંકન ૯૬, અન્ય શાળામાંથી આવેલ કુલ બાળકો ૩૫, ખાનગી શાળામાંથી છોડી આવેલ બાળકો ૨૧ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. આ શાળામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ થી વધુ બાળકો ખાનગી શાળા છોડીને આ શાળામાં દાખલ થયા છે. આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં કુલ સંખ્યા ૮૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. જેમાં ધોરણ ૧ થી ૮ ના દરેકના ત્રણ - ત્રણ વર્ગો છે, આ ઉપરાંત આ પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકોની સંખ્યા ૨૬ છે જયારે ૨૫ વર્ગખંડોમાંથી શાળાના કુલ ૧૫ વર્ગો સ્માર્ટ ક્લાસની સુવિધા ધરાવે છે. પ્રકૃતિમય વાતાવરણ ધરાવતી આ શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા, ઇન્ડોર અને આઉટડોર રમત ગમતની સુવિધા જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ અને બોક્સિંગ જેવી સુવિધા સાથે સાથે લપસણી અને અન્ય સુવિધાઓ વિદ્યર્થી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત કુલ ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની અલાયદી વ્યવસ્થા જેમાં ૨૦૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, કન્યાઓ માટે સેનેટરી પેડ માટેનું વેન્ડિંગ અને ઇન્સિલેટર મશીનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શાળામાં બાળકોની સલામતી માટે ૩૦ જેટલા સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની અદ્યત્તન સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેમાં સીઈટી અને જ્ઞાન સાધના, નવોદય અને એન.એમ.એમ.એસ. ની પરિક્ષાઓમાં છેલ્લા ૩ વર્ષથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે. એટલું જ નહી પરંતુ ગુણોત્સવમાં શાળા છેલ્લા ત્રણ વર્ષથી ‘એ’ ગ્રેડ ધરાવે છે. આ વર્ષે શાળા ગ્રીન થ્રી ( ૮૫.૨૭ ટકા ) આવેલ છે. આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુરક્ષા - સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકોનું ઉલ્લાસ ભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે. આ શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ માં કુલ ૫૫૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી ૨૮૫ છોકરા અને ૨૭૦ છોકરીઓ છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં કુલ ૩૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાં ૧૫૭ છોકરાઓ અને ૧૮૬ છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, આ શાળામાં આશરે ૪૫૬ જેટલી તો ફક્ત વિદ્યાર્થીનીઓ જ અભ્યાસ કરી રહી છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી ક્લાસની પણ સુવિધા છે. શાળામાં પ્રવેશ કરીએ એટલે શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ પ્રેમ થી જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકો એજ બનાવેલ ચકલી ઘર જોવા મળે છે. અલગ અલગ છોડ અને પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. એમાંય શાળામાં પરંપરા અનુસાર જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને એજ છોડને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ શાળામાં ૧૮ એલસીડી પ્રોજેક્ટર જેવી અદ્યતન સુવિધાથી સજ્જ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમ જેવી સરકારની પહેલમાં પણ ખુબજ ઉત્સાહ પૂર્વક કામગીરી થઇ રહી છે. દરેક વસ્તુ ક્લાસરૂમમાં ન શીખી શકાય એ વાત ને ખુબજ સારી રીતે સમજતા વિદ્યાર્થીઓને દર વર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે. અચરજની વાત તો એ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા જે છોડીને હાડગુડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી શાળામાં દિવસે અને દિવસે વધતી જતી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને આંખે આવીને વળગતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આમ, આવનાર સમયમાં ભાવિ પેઢીના નિર્માણ માટે હાડગુડ પ્રાથમિક શાળા જેવી અનેક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૪ના સફળ અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ * ચાલુ વર્ષે...

Posted by Info Anand GoG on Tuesday, July 16, 2024

Monday, 15 July 2024

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

  Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ

અહેવાલ : મનોજ ખેંગાર 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. 

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે. 


હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. 

અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. 

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. 

'ગીરાધોધ' ખાતે ગત વર્ષોમાં રૂ.૨.૧૫ કરોડના ખર્ચે 'સોવેનિયર શોપ સંકુલ' તૈયાર કરીને, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા સાથે 'અતિથિ દેવો ભવ' ની અહીંની ભાવનાને ઉજાગર કરવાની પણ રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે.

અહીં ૩૨ જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે, અને અહીં આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તથા ડાંગની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા' ને આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, ૩૨ પરિવારોને સીધી રોજગારી પુરી પાડી છે. 


અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. 


વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. 


ડાંગના જુદા જુદા પર્યટન સ્થળોએથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. 

વઘઇના આ 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે.



તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ' ના બે ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે. મહાલ-બરડીપાડા રોડ ઉપરનો 'મહાલ વોટરફોલ', ચનખલની સીમમાં આવેલો 'બારદા ધોધ', ડોન ગામનો 'દ્રોણ ધોધ', પાંડવા ગામનો 'અંજની ધોધ', માયાદેવીનો 'સ્ટેપ ધોધ' ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આકર્ષી રહ્યા છે.

ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ દઈ રહ્યો છે.

વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટેની ચાહ હોય, તેને માટે આ બધી રાહ આસાન છે ! બાકી તો ડુંગરા દૂરથી રળિયામણા એમ માનીને ટેલિવિઝનના પડદે, અને અખબારો, સામયિકોના પાને આ જળધોધના આકર્ષક ફોટોગ્રાફસ જોઇને જ મન મનાવવુ પડે ! અને હાં, આ જળધોધની મુલાકાત લઇને પ્રકૃત્તિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે જ. પરંતુ રોમાંચ અને ક્ષણિક આવેશના જોશમાં સેલ્ફી કે ફોટોગ્રાફીની ઘેલછામાં, ક્યાંક અજુગતુ ન બને તે માટે સભાન રહેવુ પણ એટલુ જ જરુરી છે.


ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે - ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો...

Posted by Info Dang GoG on Monday, July 15, 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર...