Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન
ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું.
આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.
કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મંજુર કર્યા હતા.
બેઠકના અધ્યક્ષ તરફથી યુવાનોને ગામ કમિટી બનાવી આવા દુષણને નાથવાનો દોર હાથમાં લેવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સુમન રાવત, ખંડુ માહલા અને મહેશ ગાયકવાડ, કાર્યક્રમનું સંચાલન પ્રમોદ દેશમુખ અને સન્મુખભાઈએ કર્યું હતું, આભાર વિધિ મનોજ ગાવિતે કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નવનીત ચૌધરી, મંત્રી ઈશ્વર ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સોમ ગાવિત તથા કારોબારી સભ્યો અને વડીલોએ જહેમત ઉઠાવી હતી.
લગ્નપ્રસંગોમાં રાત્રિ ભોજનને બદલે દિવસે જમણવાર, આદિવાસી પરંપરા મુજબ લગ્ન થાય તો પ્રોત્સાહિત ઈનામ આપવા સહિત ૧૫ ઠરાવ મંજૂર કરાયા.
No comments:
Post a Comment